સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 25 નવેમ્બર, 2015

પાંચ બેઝિક પ્રકારની ગ્રેવીની રેસિપિ, વધારે છે શાકનો સ્વાદ અને રંગ

પાંચ બેઝિક પ્રકારની ગ્રેવીની રેસિપિ, વધારે છે શાકનો સ્વાદ અને રંગ

આજે અમે તમારી માટે ભારતીય રેસ્ટોરન્ટમાં મોટા ભાગના શાકમાં વપરાતી ગ્રેવીની રેસિપિ લઈને આવ્યા છીએ. ઘણી વખત આપણે રેસ્ટોરન્ટમાં જઈને અલગ-અલગ શાક ટ્રાય કરીએ છીએ. અને કહીએ છીએ કે સાલું એકનું એક જ શાક ખાતા હોય એવુ લાગે. ખરેખર આપણે રેસ્ટોરન્ટમાં જઈને શાકનું નામ જોઈને પૂછવું જોઈએ કે, આ કઈ ગ્રેવીમાં મળશે. જો તમે અલગ-અલગ ગ્રેવી ચાખશો તો, સ્વાદ અલગ લાગશે. કારણ કે, મોટા ભાગના શાક એક જ પ્રકારની ગ્રેવીમાં બનતા હોય છે. આવી જ બેઝિક ગ્રેવીની રેસિપિ આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ. આ ગ્રેવી બનાવેલી હશે તો તમારું અડધું કામ તો આમ જ પૂરું થઈ જશે. બસ તો આજે જ નોંધી લો રેસિપિ. અને પછી આ ગ્રેવીની સાથે ટ્રાય કરો અલગ-અલગ શાકની રેસિપિ.

વ્હાઈટ ગ્રેવી
સામગ્રી
 
- ચાર નંગ મોટી ડુંગળી
- એક કપ કાજુ
- બે ટીસ્પૂન તેલ
- એક ટીસ્પૂન લસણની પેસ્ટ
- એક ટીસ્પૂન આદુંની પેસ્ટ
- બે નંગ લીલા મરચાં સમારેલા
- અડધો કપ માવો છીણેલો
- અડધો કપ દહીં
- અડધી ટીસ્પૂન સફેદ મરી પાવડર
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ તેને પાણીમાંથી કાઢીને નીતારી લો. હવે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. કાજુની અડધા કપ ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને પણ મિક્સરમાં ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાંતળો. પેસ્ટ ઉકળવા લાગે એટલે તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ઈલાયચી પાવડર અને મરચાં ઉમેરીને સાંતળો. થોડીક મિનિટ સાંતળ્યા બાદ તેમાં છીણેલો માવો અને કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે પાંચ મિનિટ માટે ચઢવા દો. હવે છેલ્લે તેમાં દહીં, મીઠું અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. એકાદ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેને ઠંડુ થવા દો. આ ગ્રેવીને ઈન્સ્ટન્ટ ઉપયોગમાં લેશો તો, સ્વાદિષ્ટ લાગશે. જો ઈચ્છો તો એર ટાઈટ ડબ્બામાં ભરીને ડિપ ફ્રિજરમાં મૂકીને સ્ટોર કરી શકો છો.

સામગ્રી
 
- એક ટીસ્પૂન આખા ધાણા
- દસ નંગ આખા કાશ્મીરી લાલ મરચાં
- અઢી ટીસ્પૂન તેલ
- બે ટીસ્પૂન લસણ સમારેલું
- એક ટીસ્પૂન લીલા મરચાં સમારેલા
- અઢી કપ ટામેટા સમારેલા
- પા કપ ટામેટાની પ્યોરી
- એક ટીસ્પૂન કસુરી મેથી
- એક ટીસ્પૂન ગરમ મસાલો
- મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સોપ્રથમ લાલ મરચા અને ધાણાને ગરમ તવા પર ડ્રાય રોસ્ટ કરી લો. અડધીથી એક મિનિટ માટે કરો. હવે તેને ઠંડું કરી લો. મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને સ્મૂધ પાવડર બનાવીને એકબાજુ મૂકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં લસણ ઉમેરીને ધીમા તાપે થોડીક સેકન્ડ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો પાવડર ઉમેરીને થોડીક સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં લીલા મરચાં ઉમેરીને ધીમા તાપે ફરી અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે 10 થી 12 મિનિટ માટે સાંતળો. તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેને પાંવભાજીનું મેશર ઉપયોગમાં લઈને મેશ કરી લો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યોરી, કસુરી મેથી, ગરમ મસાલો, મીઠું અને લગભગ બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે ગ્રેવીને એકથી બે મિનિટ માટે ચઢવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રેવી. જેમ જેમ જરૂર પડે તેમ-તેમ ઉપયોગમાં લો. જો તમે આ ગ્રેવીને ડિપ ફ્રિજરમાં સ્ટોર કરવા માંગતા હોવ તો તેને એકદમ ઠંડુ થવા દેવી. ત્યાર બાદ એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરવી.

યલો ગ્રેવી
સામગ્રી
 
- ત્રણ નંગ મોટા ટામેટા
- એક નંગ મોટી ડુંગળી સમારેલી
- બેથી ત્રણ કળી લસણ
- એક ઈંચનો આદુનો ટુકડો
- બે ચમચી તેલ
- એક ચમચી માખણ
- બેથી ત્રણ નંગ તમાલપત્ર
- એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
- એક ટીસ્પૂન પાપરીકા પાવડર
- જાયફળ પાવડર સ્વાદાનુસાર
- કેસર સ્વાદ અનુસાર(એક ચમચી પાણીમાં પલાળેલુ)
- ઈલાયચી પાવડર સ્વાદ અનુસાર
- તજ પાવડર સ્વાદ અનુસાર
- આમચૂર પાવડર સ્વાદ અનુસાર
- જીરું પાવડર સ્વાદ અનુસાર
- ધાણા પાવડર સ્વાદ અનુસાર
- પાણી જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ ટામેટાને પાણીમાં 10 થી 15 મિનિટ માટે બાફી લો. હવે તેની છાલ કાઢીને, ટોમેટો પ્યોરી બનાવી લો. હવે એક નોન સ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. થઈ જાય એટલે તેને થોડી ઠંડી કરી તેમાં, લસણ અને આદું ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે ફરી એ જ પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ઉમેરીને સાંતળો. થોડીક સેકન્ડ સાંતળ્યા બાદ તેમાં ડુંગળીની પેસ્ટ, ટામેટો પ્યોરી, મીઠું, ખાંડ અને બધા મસાલા ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો. જો જરૂર લાગે તો પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પાણી બળી જાય એટલે તેમાં બટર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીવાર રહીને ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ અને સ્મૂધ ગ્રેવી. જેને તમે પનીર મસાલા, પનીર ભુર્જી, વેજિટેબલ કોરમા જેવા ઘણા શાકની રેસિપિમાં ઉપયોગમાં લઈ શકો છો.
મખાનાની ગ્રેવી
સામગ્રી
 
- ત્રણ નંગ ટામેટા સમારેલા
- બે નંગ લવિંગ
- પાંચ નંગ કાજુ
- અડધી ટીસ્પૂન બટર
- અડધી ટીસ્પૂન જીરૂં
- બે ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
- અડધો કપ ડુંગળી સમારેલી
- એક ટીસ્પૂન લાલ મરચું પવાડર
- ત્રણ ટીસ્પૂન ક્રિમ
- પા ટીસ્પૂન ગરમ મસાલો
- અડધી ટીસ્પૂન કસુરી મેથી
- એક ટીસ્પૂન ટોમેટો કેચપ
- એક ટીસ્પૂન ખાંડ
- મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સોપ્રથમ ટામેટા, લવિંગ અને કાજુને અડધા કપ પાણીમાં મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ગરણીથી ગાળીને એકબાજુ મૂકી દો. એક નોન સ્ટિક પેનમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાની પેસ્ટ, લાલ મરચું પાવડર, ફ્રેશ ક્રીમ, ગરમ મસાલો, કસુરી મેથી, ટોમેટો કેચપ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરીને ચઢવા દો. ચઢી જાય એટલે તેને ઉતારીને ઠંડુ થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રેવી જેને તમે ઈચ્છો ત્યારે મનપસંદ શાકમાં ઉપયોગમાં લઈ શકો છો.

પંજાબી ગ્રેવી
સામગ્રી
 
ડુંગળીની પેસ્ટ માટે
 
- બે નંગ મધ્યમ કદની ડુંગળી સમારેલી
- એક ટીસ્પૂન તેલ
- ત્રણ ટેબલસ્પૂન પાણી
 
ટોમેટો પેસ્ટ માટે
 
- ચાર નંગ ટામેટા સમારેલા
 
લીલી પેસ્ટ માટે
 
- છ નંગ મરચા
- ચાર કળી લસણ
- બે ઈંચનો આદુનો ટુકડો
- ત્રણ ટેબલસ્પૂન પાણી
 
વ્હાઈટ પેસ્ટ માટે
 
- પંદર નંગ કાજુ
- દસ નંગ બદામ
- ચાર ટીસ્પૂન પાણી
 
ગ્રેવી માટે
 
- બે ટીસ્પૂન ઘી
- બે ટીસ્પૂન તેલ
- એક નંગ સ્ટાર ફૂલ
- બે નંગ તમાલપત્ર
- ત્રણ નંગ સૂકાં લાલ મરચાં
- છ નંગ લવિંગ
- એક મોટો તજનો ટુકડો
- ત્રણ નંગ ઈલાયચી
- છ દાણા કાળા મરી
- પા ટીસ્પૂન હળદર
- એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
- એક ટીસ્પૂન ધાણા પાવડર
- એક ટીસ્પૂન ગરમ મસાલો
- એક ટીસ્પૂન કિંચન કિંગ માસલો
- એક ટીસ્પૂન ચાટ મસાલો
- એક ટીસ્પૂન ચણા મસાલો
- બે ટીસ્પૂન કસુરી મેથી
- બે ટીસ્પૂન બટર
- મીઠું સ્વાદ અનુસાર
- પાણી જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ દહીંને વલોવી લો. ડુંગળીની પેસ્ટ બનાવવા માટે તેને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. એકદમ ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં બ્લેન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. લીલી પેસ્ટ બનાવવા માટે લસણ, આદું, લીલા મરચાં અને પાણીને મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે ટોમેટો પેસ્ટ બનાવવા માટે તેને કટ કરીને મિક્સરમાં બ્લેન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે કાજુ અને બદામને પાણીમાં એકથી બે કલાક માટે પલાળીને રાખો. ત્યાર બાદ બદામના ફોતરા કાઢીને બંનેને મિક્સરમાં દૂધ સાથે ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં બધા જ સૂકા મસાલા ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંકી દો. એક મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે સાંતળો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરીને ફરીથી ચારથી પાંચ મિનિટ માટે સાંતળો. ધીમા તાપે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમાં વ્હાઈટ પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ચાટ મસાલો, ચણા મસાલો, કસુરી મેથી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં અડધાથી એક કપ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જરૂર હોય તેટલી ઘટ્ટ ગ્રેવી તૈયાર કરો. આ ગ્રેવીને પાંચેક મિનિટ માટે ચઢવા દો. તેમાં બટર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી ગ્રેવી. જે બધા જ પ્રકારના પંજાબી શાકમાં ઉપયોગમાં લઈ શકાય છે.

સાભારઃ દિવ્યભાસ્કર

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.